સર મને 16 વરસ થી ગેસ નો પ્રોબ્લેમ છે મારી ઉંમર 75 છે 3 વાર ફુલ એન્ડોસ્કોપી કરાવી છે મુંબઈ ના મોટાં માં મોટા 4 ડોક્ટરો ને બતાવ્યુ છે gastritis અને GERD નું ડાયગનોસીસ થયું છે રોજ સવારથી જ ગેસ ચાલુ થઈ જાય છે જમ્યા બાદ પેટ એકદમ ભારે થઈ જાય છે ઓડકાર સતત આવ્યા જ કરે છે પેટ માં આફરો ચડે છે જોર જોર થી સ્વાસ લેવો પડે છે ખાવામાં એકદમ નિયમિત છું ત્રિફળા લવ છું તો પણ પેટ કોઈવાર સાફ આવે તો કોઈવાર કબજિયાત થઇ જાય પેટ નો ડાબી બાજુ નો ભાગ જમણી બાજુ કરતા વઘારે ઉપસેલો છે અને સોનોગ્રાફી કરાવી તો ગેસ નું કારણ બતાવે છે હોમીયોપેથી અને આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ લીધી પણ કંઈ ફરક પડ્યો નહીં હાઇટ્સ હર્નિયા નો થોડો પ્રોબ્લેમ છે કોઈ કોઈ વાર સૂતી વખતેજ ખાવાનુ ઉપર આવે છે બે થી ત્રણ લાખ રૂપિયા બરબાદ કર્યા છે કાઈ જ ફરક પડતો નથી એન્ડોસ્કોપી માં કોઈ પણ જાતનું અલ્સર કે કૅન્સર નથી આવ્યું પેટમાં જમણી બાજુ નીચે થોડો થોડો દુખાવો રહે છે digestion બિલકુલ નથી થતું સવાર નું ખાધેલું રાત્રે પચે છે જિંદગી થી કંટાળી ગયો છું આંખ માં જરાક જામર છે દિવ્ય ઉદરામૃત વટી લવ છું બીપી ની ગોળી લવ છું please મારા ઇમેઇલ પાર ઉપાય બતાવજો આભાર
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી,
આયુર્વેદ ના દ્રષ્ટિકોણથી આ પ્રકારની જકલીફ એ અગ્નિમાંદ્ય બાદ ઊભી થયેલી અજીર્ણની સ્થિતિ છે અને તેના કારણે પાચન ન થયેલા ખોરાકમાંથી ઉત્પન્ન થતો ગેસ એ ઉપરની બાજુએ ગતિ કરે છે આને અલસક/વિષ્બ્ધાજીર્ણ પણ કહી શકાય.
આયુર્વેદિક દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો જ આમાં 100% મટી જાય એવું તો નહિં જ પણ ઘણાં બધાં અંશે તેમાં ફાયદો જરુર થઇ શકે.
આપના માટે તો ઉત્તમ સલાહ એ જ છે કે નજીકમાં કોઇ આયુર્વેદિક ક્લિનિકમાં રેગ્યુલર ચેકઅપ સાથે સારવાર કરાવો. કારણ કે આમાં વારંવાર દવા બદલતા રહીને આગળ વધતાં જવું પડશે. આપ ચાહો તો અમારે ત્યાંથી પણ દવા શરૂ કરી શકો છો. તેના માટે એકાદવાર રૂબરૂ આવી શકો તે ઇચ્છનીય છે. તે પછી થી કુરિયર દ્વારા પણ દવા મંગાવીને સારવાર પ્રાપ્ત કરી શકો. થોડી ધીરજ રાખીને લાંબા ગાળા સુધી સારવાર લેવી જરુરી છે આવી માનસિક તૈયારી સાથે જ સારવાર કરવી જોઇએ.
નીચે પ્રમાણે ના ઔષધો આપ બે મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. ચિત્રકાદી વતી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અવિપત્તિકર ટેબલેટ બે ગોળી બે વાર
૩. શિવાક્ષાર પાચન ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
૪. પ્રવાલ પંચામૃત ટેબલેટ એક ગોળી બે વાર
૫. અભયારિષ્ટ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર જમ્યા પછી
સવારે ઊઠીને ચાલવાનું અને હળવી કસરતો કરવી.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો.
બેકરીની વસ્તુઓ ન લેવી
જમ્યા પછે નિયમિત પાતળી છાશ પીવી
વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps